Thursday, January 2, 2020


દરેક જગ્યાએ અત્તર જ મહેંકે એ જરૂરી નથી, ક્યાંક વ્યક્તિત્વ પણ મહેંકી ઉઠતું હોય છે.
દિપાવલી પર્વએ જરૂરિયાતમંદોને ખુશી વહેંચી દિપાવલી પર્વની સાચા અર્થમાં ઉજવણી કરતાં વિક્રમસિંહ પરમાર.
  મુળી તાલુકાના નાના એવા શેખપર ગામનાં વતની અને હાલ સુરેન્દ્રનગરખાતે રહેતાં વિક્રમસિંહ પરમાર છેલ્લા ૨૮ વર્ષથી નર્મદા વિભાગમાં કાર્યરત હતા. જેઓ આ વર્ષે તા.૩૦/૯/૨૦૧૯ના રોજ નિવૃત થતા તેઓનો વિદાય તથા સન્માન સમારંભ સુરેન્દ્રનગરખાતે યોજવામાં આવ્યો હતો. અને પોતાની સેવાપ્રવૃત્તિની ભાવના અને જરૂરિયાતમંદોને સહાય કરવાનો જાણે કાયમી નિયમ થઇ ગયો હોય તેમ પોતાને ભેટ-સોગાદ રૂપે આવેલી રોકડ સહિતની વસ્તુઓ જરૂરિયાતમંદોને આપી દેતા આ જમાનામાં યુવાઓને સેવા-પ્રવૃત્તિ કરવાની અનોખી રાહ ચીંધી જોવા મળે છે.
  આ વાત મુળી તાલુકાના શેખપર ગામે રહેતાં બાલુભા દિપસંગજી પરમારનાં કુળદિપકની છે. શેખપર ગામનાં બાલુભા પરમાર અને ચંદુબા બાલુભા પરમાર ખેતીકામ થકી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં તેઓના આઠ સંતાન. સંતાનોમાં પાંચ દિકરા અને ત્રણ દિકરીઓ. તેઓનાં પાંચ દિકરાઓમાંનો એક દિકરો એટલે વિક્રમસિંહ બાલુભા પરમાર. વિક્રમસિંહ બાલુભા પરમારનો જન્મ તા.૧૦/૯/૧૯૬૧ના રોજ થયેલો. જેઓ મોટા પરિવારમાં રહેતાં એટલે સૌ સાથે મળીને આનંદ કરતાં. તેમ તેઓ મોટા થતા તેઓનો અભ્યાસક્રમ શરૂ થયો.
  ત્યારે સૌપ્રથમ તેઓએ મુળી તાલુકાનાં શેખપર ગામે જ જીવનની શરૂઆત કરેલી તેથી તેઓનો પ્રાથમિક અભ્યાસક્રમ તેઓના ગામ એટલે કે શેખપરની શાળામાં જ પૂરો થયેલ. ત્યારબાદ તે જમાનામાં પ્રાથમિક અભ્યાસ પછીની અભ્યાસ માટેની સુવિધાઓ લગભગ ગામડાંઓમાં ન હતી. તે માટે તેઓનો પ્રાથમિક અભ્યાસ એટલે કે ૭ ધોરણ પછીના માધ્યમિક અભ્યાસક્રમ માટે શહેરમાં જવું પડે. અને તેથી તેઓએ માધ્યમિકકક્ષાનો અભ્યાસક્રમ એટલે કે આઠથી દસ ધોરણ સુધીનો અભ્યાસક્રમ જીલ્લામથકે આવેલ જવાહરલાલ નહેરુ વિધાલય(જે.એન.વી.) સરકારી શાળામાં કરેલ.
  ત્યારબાદ પોતાના ઉપર પગભર થવા માટે ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ ન કરતાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટીટયુટ(આઈ.ટી.આઈ.) માં મોટર મિકેનીકલનો કોર્સ કરવાનો શરૂ કરેલ. ત્યારે તેઓએ આ કોર્સ કરવાનો શરૂ કરેલ. ત્યારે તેઓએ આ કોર્સ દરમ્યાન પોતાનાં પગભર થવા માટેની પૂરેપૂરી તાલીમ મેળવી લીધી હતી. ત્યારબાદ તેઓ આ કોર્સ પૂરો કર્યા બાદ નોકરીની તલાશમાં હતા. ત્યારે પોતે જાતે કમાઈને પગભર થવાનો જાણે તેમણે મનસૂબો જ કરી નાંખ્યો હતો. તેમ તેઓએ નોકરીની શોધ શરૂ રાખતાં રાજકોટ શહેરની એક ખાનગી શાળામાં શાળાની સ્કુલબસ ચલાવવાની નોકરી મળી. અને આમ પોતાનો મનસૂબો પગભર થવાનો તેમણે પૂરો કર્યો હતો.
  ત્યારબાદ તેઓ ખાનગી શાળામાં નોકરી કરતાં બીજે પણ અરજીઓ કરતાં. ત્યારે તેમાં વર્ષ ૧૯૯૧માં તેઓને નર્મદા વિભાગમાં ડ્રાઈવર તરીકેની નોકરી મળેલ. અને કહેવાય છે ને કે નાનપણથી જ છોકરાને સારા સંસ્કાર સિંચાયા હોય તેની ટેવ તેવી જ પડે. તે મુજબ જ સાવ સામાન્ય પરિસ્થિતિમાં પોતાનું જીવન વિતાવી નર્મદા વિભાગની નોકરીમાં લાગેલ વિક્રમસિંહ પરમારે પણ પોતાનાં પિતાએ બતાવેલા રસ્તે ચાલવાનું નક્કી કરેલ. અને જરૂરિયાતમંદોને તહેવારોમાં રાશન, દવાઓ, મીઠાઈઓ, કપડાં આપવાની મદદ શરૂ કરેલ. ત્યારે પોતાના ધ્યાનમાં આવતાં એવા કોઈ-કોઈ જરૂરિયાતમંદ વિધાર્થી કે જે આર્થિકરીતે સક્ષમ ન હોય તેને સ્કુલ ફી અને ભણવા માટેનાં ચોપડાં પણ લાવી આપવાની બહુ મોટી સેવા-પ્રવૃત્તિ કરવાનું શરૂ કરેલ. ત્યારે વયમર્યાદાને કારણે તેઓ પોતાની નર્મદા વિભાગની નોકરીમાં ૨૮ વર્ષની ફરજ અદા કરી તા.૩૦/૯/૨૦૧૯ના રોજ નિવૃત થયેલ. ત્યારે નિવૃત્તિનો વિદાય સાથેનો સન્માન સમારંભ સુરેન્દ્રનગરખાતે રાખવામાં આવ્યો હતો. આ સમયે તેઓને બહુ ભારે માત્રામાં ભેટ-સોગાદોનો વરસાદ થયો હતો. પણ કહેવાય છે ને કે નાનપણથી આપેલો સંસ્કાર ગમે એટલા મોટા થઈએ તો પણ ન જાય તેમ વિક્રમસિંહે પોતાનાં સન્માનસમારંભમાં આવેલી ભેટ-સોગાદો સહીત લગભગ એકાદ લાખ રૂપિયા જરૂરિયાતમંદોને અર્પણ કરી દીધા હતા. ત્યારે નોકરીના ૨૮ વર્ષ દરમ્યાન એકપણ વખત બદલી ન થઇ હોવાથી ઉપસ્થિતોએ બિરદાવ્યા હતા. અને સામાન્ય રીતે ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા મોટાભાગના લોકોને કાઈને કાઈ વ્યસન તો હોય જ. પરંતુ વિક્રમસિંહ પરમારને હજી સુધી કોઈ જ વ્યસન એટલે કે સામાન્ય ચા નું પણ વ્યસન ન હોવાનું જાણવા મળે છે.
  ત્યારે વિક્રમસિંહ પરમારે જણાવ્યું કે મારી પહેલી કમાણી ૧૫૦/- રૂપિયા હતી. મને આ સેવા કરવાની વૃતિ નાનપણથી જ હતી. મને મારા પપ્પા કહેતા હતા કે એક વખત આપણે પણ ગરીબ જ હતાં. એટલે ગરીબ અને જરૂરિયાતમંદોની અચૂક અને કાયમ સેવા કરવી તેવું પપ્પા નાનપણથી જ કહેતા. આમ દિવાળી, સાતમ-આઠમ, ઉત્તરાયણ, નવરાત્રી જેવા તહેવારોમાં ભૂખ્યાને ભોજન, જરૂરિયાતમંદોને કપડાં અને આર્થિક રીતે શિક્ષણમાં જરૂરિયાતમંદોની ફી અને ચોપડાં પણ પુરા પાડી શકતો હોવાનો મને આનંદ છે.
  આમ, દિપાવલી પર્વે જરૂરિયાતમંદ પરિવારોના ઘરે હર્ષના દિપ તેઓની જરૂરિયાત પૂરી કરી પ્રગટાવતા વિક્રમસિંહ પરમાર જોવા મળે છે.
  એક પંક્તિ દરેક જગ્યાએ અત્તર જ મહેંકે એ જરૂરી નથી, ક્યાંક વ્યક્તિત્વ પણ મહેંકી ઉઠતું હોય છે. આ પંક્તિને વિક્રમસિંહ પરમાર સાચા અર્થમાં સાબિત કરતાં જોવા મળે છે.

                                        - ધવલ આચાર્યપ્રિન્સ